એક ચાલ પડે ખોટી રે જીવનમાં, બાજી જીવનની બગાડી એ નાંખે
એક બુંદ ખારાશનું પડે દૂધમાં, દૂધ પૂરું એ તો ફાડી નાંખે
એક બીજ શંકાનું જીવનમાં જાગતા, જીવન વેરણછેરણ કરી નાંખે
એક બુંદ તો કાતિલ ઝેરનું, જીવનને તો ખતમ કરી નાંખે
એક ખોટો કડવો શબ્દ, વેર તો જીવનમાં ઊભું તો કરી નાંખે
એક ઉતાવળું ખોટું પગલું, કર્યું કરાવ્યું, ધૂળધાણી કરી નાંખે
એક કણ પડે વધુ જો મીઠાનો, ભોજન ખારું એ તો કરી નાંખે
એક ગોળી બંદૂકની, થાય પસાર હૈયામાંથી, મોતને એ તો બોલાવી નાંખે
એક માણસ પણ જો ફૂટી જાય, રહસ્ય ખુલ્લું એ તો કરી નાંખે
એક સળગતો તણખો પડે ઘાસની ગંજીમાં, આગ એ તો ફેલાવી નાંખે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)