થોડું થોડું કરતો રહ્યો છું, બધું રે જીવનમાં, કોઈ કાંઈ પૂરું તો કર્યું નથી
કર્યું રે ભેગું પુણ્ય થોડું થોડું, પૂરું ભેગું તો કરી શક્યો નથી
પાપ કરતો રહ્યો જીવનમાં થોડું થોડું, ડરથી પાપી પૂરો બની શક્યો નથી
કરતો રહ્યો વિચાર બધા થોડા થોડા, પૂરા વિચાર કોઈના કરી શક્યો નથી
રહ્યો છું ભરતો ભાવો હૈયે પ્રભુના થોડા થોડા, પૂરા ભાવો ભરી શક્યો નથી
થોડી થોડી દયા જામે કદી તો હૈયે, દયાવાન પૂરો બની શક્યો નથી
ધીરજની કેડીએ રહ્યો છું ચાલતો થોડું થોડું, ધીરજવાન પૂરો રહી શક્યો નથી
શ્રદ્ધાની કેડીએ માંડયા ડગ તો થોડા થોડા, શ્રદ્ધાવાન પૂરો બની શક્યો નથી
કરતો રહ્યો છું વાત પ્રભુને થોડી થોડી, વાત પૂરી તો કરી શક્યો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)