હંસલા હવે તો વિચાર, હંસલા જરા તો વિચાર
રહ્યો આવતો ને આવતો તું તો જગમાં, રહી તારી એની એ તો ફરિયાદ
જોઈતું ને જોઈતું રહ્યું જગમાં તને તો બધું, રાખ્યો ના સંતોષ તેં તો લગાર - રહ્યો...
છૂટયાં જ્યાં એક જનમના સગા ને વહાલા, મળી ગઈ બીજા જનમની લંગાર - રહ્યો...
રહ્યો હતો ડૂબી પહેલાં તો માયામાં, છોડી ના હજી એને તો તેં લગાર - રહ્યો...
બદલાયા તારા વાતાવરણ ને તનડાં, ના બદલાયા તારા વિચાર ને આચાર - રહ્યો..
સંજોગે-સંજોગે પરિસ્થિતિ બદલાઈ, સુધર્યો ના તોય તું તો લગાર - રહ્યો...
પહોંચ્યો ના તું તો મંઝિલ પાસે, રહી દૂર ને દૂર તુજથી તો સદાય - રહ્યો...
થાક્યો ના કરતા સહન, પીડા જનમની, રહ્યો છે કરતો તોય ફરિયાદ - રહ્યો...
સુખની લાલસા છૂટી ના હૈયેથી, દુઃખ તો દોડતું આવ્યું રે સદાય - રહ્યો...
હંસલા હવે તો વિચાર, હંસલા જરા તો વિચાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)