થાંભલા ને થાંભલાની ઉપર, રહેશે ઇમારત તો ઊભી, એવો થાંભલો તું બનજે
કોઈના જીવનમાં, નડતરરૂપ થાંભલો, એવો થાંભલો તો તું ના બનજે
ફૂલને રક્ષણ દે સદા કાંટા, એવો કાંટો જીવનમાં ભલે તું બનજે
રસ્તે, ખુલ્લે પગે ચાલનારાના પગમાં, ભોંકાતો કાંટો કદી ના તું બનજે
ભૂખ્યાને રસોઈથી સંતોષવા, રસોઈ પકવવાનો અગ્નિ ભલે તું બનજે
કોઈનું જીવન જલાવવા, કે વિનાશ નોતરવાનો, અગ્નિ તું ના બનજે
દિવસભરનો શ્રમિકનો શ્રમ ઉતારવા, ઠંડકભરી રાત્રિ તો તું બનજે
પ્રેમીઓને ઝૂરતા ને ઝૂરતા રાખી, વિરહભરી એવી રાત્રિ ના બનજે
તૃષાથી તરફડતા જીવની પ્યાસ બુઝાવવા, અમૃતમય ઠંડું જળ તું બનજે
ધરતીને લીલીછમ કરતા પાકનો નાશ કરતા વિનાશકારી જળ ના બનજે
ગતિએ-ગતિએ થાયે પ્રગતિ, જીવનમાં એવી ગતિ તો તું બનજે
જે ગતિ જીવનમાં દે નીચે ને નીચે ધકેલી, દૂર્ગતી એવી ના તું બનજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)