બગાડી ચૂક્યો છે જ્યાં તારા તું ભાવ, હવે બોલીને બીજું શું બગડવાનું છે
બગડવાનું હતું એ તો બગડી ગયું, કરી પસ્તાવો હવે એમાં વળવાનું શું છે
પડ્યો શક્તિશાળી શત્રુ પાછળ, ભાગી એનાથી હવે તો વળવાનું શું છે
ભીંજાઈ ગયો છે એકવાર તું જ્યાં, ભીંજાશે વધુ, ફરક હવે એમાં શું પડવાનો છે
તૂટયો અપવાસ એક કણથી કે જમીને ભાણું, ફરક એમાં શું પડવાનો છે
દીધા છોડી યત્નો, રહ્યું ત્યાં બાકી, રહ્યું થોડું કે એ વધુ, ફરક એમાં શું પડવાનો છે
દીધી એક ગાળ કે વરસાવ્યો વરસાદ, જીભ તો બગાડી, ફરક એમાં શું પડવાનો છે
પડયા છાંટા કાદવના થોડા, કે ખરડાયો એમાં, બગડયું, એ તો, ફરક એમાં શું પડવાનો છે
પડે એક કણ કે ઝાઝું મીઠું દૂધમાં, દૂધ તો ફાટવાનું, ફરક એમાં શું પડવાનો છે
મળે એક બુંદ અમૃતનું કે કુંભ અમૃતનો, કરે અમર એ તો, ફરક એમાં શું પડવાનો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)