જીવનમાં તો જે છે, તે તો તું છે પ્રભુ, તે તો તું છે
અસ્તિત્વ નથી જ્યાં કાંઈ બીજું, જે છે, તે તો તું છે
સંભળાય છે જે, તે તો તું છે, ફેલાય છે જે જીવનમાં, તે તો તું છે
ના દેખાય જે, ના સંભળાય જે, ઇચ્છા તારી એમાં સમાયેલી છે
કરીએ જે કાંઈ જીવનમાં, શક્તિ તારી એમાં તો સમાયેલી છે
રાખી રહ્યો છે દૂર અમને તું શાને, અમારી સમજની બહાર છે
જાગી જાય છે અહં ને અભિમાન અમને શાને, જ્યાં જગનો કર્તા તું છે
પહોંચવું છે જ્યાં પાસે તારી, મજબૂરીથી વિંટળાયેલો આ જીવ છે
છે જરૂરિયાત જીવનમાં તો પ્રેમની, તારા પ્રેમનો તડપતો આ જીવ છે
લઈ લેવું હોય તે લઈ લેજે બધું, તારા દર્શન ઝંખતો આ જીવ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)