રહીશ આજે તું અહીં, જઈશ કાલે તું બીજે ક્યાંય, હકીકત નહિ આ બદલાય
આવ્યો તું આજ અહીં, કાલે બીજે ક્યાંય, ડંખ હૈયે એનો શાને લાગે છે
હતું ના તારી પાસે કાંઈ, મળ્યું તને આજ, હકીકત તારી નથી આ બદલાવાની
રહેશે કે ના રહેશે, જો તારી પાસે કાંઈ, રંજ એનો તું શાને રાખે છે
વીતી પળો કંઈક સુખની, વીતી પળ કંઈક દુઃખની, હકીકત નથી આ બદલાવાની
સુખની-દુઃખની ક્ષણોને ભરીને હૈયે, શાને એને તું વાગોળતો રહે છે
મળ્યા ના હતા જે જગમાં, મળ્યા એ તો, પડશે છૂટા, હકીકત નથી એ બદલાવાની
છૂટા પડવાનો ગમ ભરીને હૈયે, શાને તું જગમાં, દુઃખી ને દુઃખી થાતો રહ્યો છે
છે બે દિનનો વિસામો તો જગમાં, હળીમળીને રહેજે, હકીકત નથી આ બદલાવાની
બાંધીને વેર જગમાં તો હૈયે, આયુષ્ય તારું, શાને તું વેડફી રહ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)