સમય ચક્ર ફરતું જાય, આયુષ્ય તારું ઘટતું જાય
કોઈથી રોક્યું એ નવ રોકાય, એનું કાર્ય એ કરતું જાય
કંઈક કાર્યો અધૂરાં રહી જાય, સમય વર્તી જો એ નવ થાય
મનની આશા મનમાં રહી જાય, સમય ચક્ર ફરતું જાય
આજનું કાર્ય કરી લેવું આજે, સદાય એ કહેતું જાય
ટક-ટક એની જો નહીં સંભળાય, અંતે પસ્તાવો બહુ થાય
બાળપણ વીતી જુવાન થાય, સમય વીત્યો નવ વરતાય
બુઢાપો ત્યાં ડોકિયાં કરી જાય, સમય ચક્ર ફરતું જાય
કાયા તારી લથડી જાય, હેતે હરિગુણ નવ ગવાય
માયા-પ્રપંચમાં મનડું જાય, આતમ તારો દુઃખી થાય
સમય જવાનો તારો પાકી જાય, સંતાપ મનમાં બહુ-બહુ થાય
કરેલાં કર્મો તને ખાતા જાય, સમય ચક્ર ફરતું જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)