જાવું તો પડશે, જાવું તો પડશે, એક દિન, જગ છોડીને તારે જાવું તો પડશે
હશે કે ના હશે મરજી તો તારી, જગ છોડીને તારે જાવું તો પડશે
રહેશે ના બાકાત તું નિયમોમાંથી, છે નિયમ એ તો સહુના માટે
આવ્યો તું જગમાં, બંધાયો તું એના નિયમથી, નિયમ બહાર ના તું રહી શકશે
કરી-કરી કરીશ, જગમાં તું ભેગું, છોડીને અહીં, ના સાથે એ તું લઈ જઈ શકશે
છે જગમાં જે સાથે, આવશે ના સાથે, સંબંધો જગના, જગમાં રહી તો જાશે
કરશું જેવું જગમાં, સુગંધ નામની એવી, પાછળ સહુ મુક્તા તો જાશે
રોકવા ચાહે કોઈ જગમાં, રોકાઈ ના શકશે, જગ છોડીને જાવું તો પડશે
જીવ્યો જીવન જગમાં તું કેવી રીતે, જવાનું તારું ના અટકાવી એ શકશે
સુખી રહ્યો કે દુઃખી રહ્યો તું જગમાં, કર્મોથી તારા, જગ છોડીને જાવું તો પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)