ધરતીના દેખાવ ભલે બદલાયાં, ધરતી પર રહેનારના દિલ ના બદલાયા
લોભ-લાલચના પ્રવાહમાં રહેતા હતા તણાતા, આજ ભલે એના પ્રવાહ બદલાયા
માનવના કદના આકાર ભલે બદલાયા, અંતરના ધમસાણ ના બદલાયા
વિચારોના પ્રવાહ જગમાં ભલે બદલાયા, આચારની શિથિલતા ના બદલાયા
શિક્ષણ ને સમજના દ્વાર ભલે બદલાયા, વેર ને ઈર્ષ્યાના ભાવો ના બદલાયા
પ્રકાશના દ્વાર જગમાં ભલે બદલાયા, સૂર્ય-ચંદ્રના કિરણો ના બદલાયા
નદી-સરોવરના નીરના પ્રવાહ ભલે બદલાયા, સમુદ્રની ખારાશ ના બદલાયા
સંજોગો-સંજોગો જીવનમાં ભલે બદલાયા, હાલત થાતી એમાં, ના બદલાયા
ભક્તો ને ભક્તોના નામો ભલે બદલાયા, પ્રવાહ ભક્તિના જગમાં ના બદલાયા
માનવ તનડાં ને મનડાં ભલે બદલાયા, નિયમ કુદરતના તો ના બદલાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)