કરવો કોનો, કેમ ને ક્યારે, ભરોસો જીવનમાં, જલદી ના એ તો સમજાય
વારે ઘડીએ ફરતા ને ફરતા રહે વાતમાં, ભરોસો એનો, જીવનમાં કેમ કરીને રખાય
લોભ-લાલચમાં તણાતા ના વાર લાગે જેને, ભરોસો જીવનમાં એનો કેમ કરીને થાય
વેરની આગ ભડકી ગઈ જ્યાં હૈયે, બન્યા વેરી એ જ્યાં, કેમ કરીને ભરોસો એનો થાય
દુર્ગૂણોના દૂષણોમાં નિત્ય ડૂબ્યા રહે, એનો ભરોસો કરવો મુશ્કેલ બની જાય
હમણાં બોલે ને હમણાં ભૂલે, એના શબ્દો પર ભરોસો કેમ કરીને થાય
કૂડકપટ ભર્યા છે ભારોભાર જેના હૈયે, દૂર રહેવું જીવનમાં એનાથી તો સદાય
મીઠી છૂરીએ મારી નાંખે, વીંધી નાંખે શબ્દે, ભરોસો એનો જીવનમાં કેટલો કરાય
જેની નજરમાં સદા જ્યાં મારા વસે છે, તારું એ જીવનમાં ના કાંઈ ઉકાળી જાય
વાતે-વાતે જે ખોટું લગાડે, બદલા લેવામાં રહે શૂરા, મૂકી ભરોસો ભીંત ના ભુલાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)