જુગ જુગ જૂનો છે, જુગ જુગ જૂનો છે રે પ્રભુ, તારો ને મારો રે નાતો
નથી હું કાંઈ તારે માટે નવો, તોય મને તું તો, નવો ને નવો તો લાગતો
રાત ને દિન તો જગમાં વીતતાં જાયે, સમય આમ ને આમ તો વીતતો જાતો
અનેક જીવનમાં કર્યો મુસીબતોનો સામનો, નવો ને નવો સામનો તોય લાગતો
સુખદુઃખના પ્રવાહ રહ્યા સદા વહેતાં, રહ્યો એમાં ને એમાં તો તણાતો
નામ ને આકાર રહ્યા મારા બદલાતાં, તૂટયો ના તારો ને મારો રે નાતો
વિશ્વાસ મૂક્યો મેં તો તારામાં, રહ્યો તોય એમાં હું તો ડગમગતો
ઇચ્છાઓ જગાવી, થાતી ના એ પૂરી, રહ્યો દુઃખી ને દુઃખી એમાં તો થાતો
રહ્યો ઉદાસ કાર્યોમાં તો જીવનમાં, રહ્યો કર્મોમાં ને કર્મોમાં જીવનમાં બંધાતો
ખોલી દે હવે દ્વાર તારા રે પ્રભુ, રહ્યો છે જુગ જુગથી એને ખટખટાવતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)