આવ્યો જેવો તું તો જગમાં, જગમાંથી તું તો એવો જવાનો છે
મળ્યું છે રહેઠાણ રહેવા તને તો જગમાં, રહેઠાણ જગને સોંપી તું તો જવાનો છે
લઈ લઈ ફર્યો રહેઠાણ તું સાથે ને સાથે, એની માયામાં તું તો બંધાયો છે
છે ખાલી એમાં તું તો રહેવાસી, રહેઠાણ સમજવા તને તું તો લાગ્યો છે
છે નથી જે તું, માની લીધું છે તું એ તો, સુખદુઃખ અનુભવ એનો તું લેવાનો છે
ખોટી પ્રીત ને ખોટું લાલન પાલન એનું, જીવનમાં ખોટું એ તો રહેવાનું છે
બદલ્યા રહેઠાણ કેટલાં તે આ જગમાં, હિસાબ ના એનો તારી પાસે છે
ભૂલ્યાં જ્યાં રહેઠાણ પહેલાંના, આ રહેઠાણ પણ તું ભૂલી જવાનો છે
સમજી લે, રહ્યા ના કાયમ કોઈ રહેઠાણ, ના કાયમ એ તો રહેવાના છે
બદલાતાને બદલાતા રહેવાના છે રહેઠાણ, રહેઠાણ તો બદલાતા રહેવાના છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)