આવે એક કે અનેક, પડશે કરવો સામનો, મુસીબતોનો જીવનમાં વાપરીને વિવેક
ક્ષણેક્ષણથી ભર્યું તેં જીવન, હાથતાળી દઈ, રહી છે જીવનમાં ક્ષણ તો તને
રહે ના ક્ષણ હાથમાં તો કોઈના, ઘસતું રહે, સદા એ તો જીવનને
કરતા-કરતા સામનો જીવનમાં, કદી એ ભાંગી પડે, કદી નવું બળ પ્રગટે
મનથી ભાગી-ભાગી જાશો ક્યાં, જ્યાં સદા એ તો સાથે ને સાથે રહે
કદી દર્દના, કદી દુઃખના, પ્રસંગે-પ્રસંગનો સામનો કરવો તો પડે
કદી સાથ મળે અન્યના, કદી જીવનમાં એકલા, સામનો કરવો પડે
આંકશો ના ઓછી કે વધુ શક્તિ એની, કરવા સામનો ગણત્રી કરવી પડે
કદી અન્યના સ્વાર્થના કાજે, કદી ખુદના સ્વાર્થ માટે, પડશે કરવો સામનો
હારી ના જાશો જીવનમાં, સામનાનો સામનો, કરવો ને કરવો તો પડે
કદી બહારનો, તો સદા અંતરનો, સામનો જીવનમાં તો કરવો પડે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)