જીવન તો છે કાદવ જેવું, જીવન તો છે કાદવથી ભરેલું ને ભરેલું
પડશે ચાલવું તો એમાં, પડશે કાઢવો તો મારગ, એમાંથી ને એમાંથી
ખૂંપ્યા જ્યાં ઊંડા, એમાં તો એવા, બનશે મુશ્કેલ બહાર નીકળવું એમાંથી
સુકાશે ક્યારે, કેમ ને કેટલો, જીવનમાં ના એ તો કદી કહી શકાશે
છે વિકારોના કાદવથી જીવન તો ભરેલું, પડશે સદા એમાંથી બચવું
ડાઘ લાગ્યો કે ચડયો એનો જ્યાં એકવાર, બનશે મુશ્કેલ સાફ એને કરવું
પડશે સૂકવવો કાદવ જીવનમાં એ તો, કદી જ્ઞાનથી, કદી ભાવથી, કદી સંકલ્પથી
ચાલજે એમાં તું સંભાળી સંભાળી, પડશે ચાલવું જીવનમાં એમાં તો સંભાળી
ચાલજે તું એવો, ઊડે ના છાંટા તને કે બીજાને, પડશે એવી રીતે ચાલવું
સમજી લેજે કિંમત તો તું જીવનની, ખરડી નાંખતો ના તું એને કાદવથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)