છે બધે તું તો પ્રભુ, નથી કયાંય તું તો, એવું તો ના બને
અમારી અલ્પ બુદ્ધિથી રે પ્રભુ, તને અમે તો ક્યાંથી સમજી શકીએ
છે કર્મની ગૂંથણી તારી એવી તો અટપટી, અટવાઈ અમે, એમાં તો રહીએ - અમારી...
કદી વાદળ ઘેર્યું, જીવન તો રહે, મળશે પ્રકાશ ક્યારે, ના કહી શકીએ - અમારી...
છે આશા ભરેલા હૈયા અમારા, ક્યારે થાયે એ પૂરી, ક્યારે એમાં તૂટી પડીએ - અમારી...
છે દોર ભાગ્યનો હાથમાં તો તારા, ખેંચાશે કેમ, ના એ તો સમજી શકીએ - અમારી...
નચાવે તારા વિકારો, અમે એમાંને એમાં જીવનમાં તો નાચતાં રહીએ - અમારી...
છે અને રહ્યો છે તું તો દયાળુ, ના દયા તારી અમે પારખી શકીએ - અમારી...
સમજાય ના કરવું શું જીવનમાં, ભૂલોને ભૂલો અમે તો કરતા રહીએ - અમારી...
મળવાને મેળવવા જેવો છે એક તું તો જીવનમાં, બીજું અમે શું કરીએ - અમારી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)