તૂટતાંને તૂટતાં જાશે તારા જીવનમાં, ટકશે જીવન એમાં તો ક્યાંથી
મારને માર મળતાં રહે જો જીવનમાં, હાલ બેહાલ જીવનના, થયા વિના રહેશે ક્યાંથી
પ્રેમના પાત્રો નીકળે બોદા જો જીવનમાં, સૂર પ્રેમનો નીકળશે સાચો એમાંથી ક્યાંથી
સમજણના તાંતણાં જો ખોટાં જોડાયાં, જાગશે ભાન જીવનમાં સાચું એમાંથી ક્યાંથી
શ્રદ્ધાના તાંતણા જો કાચા વણાયા, જીવન મજબૂત બનશે એમાં તો ક્યાંથી
સદ્ગુણોની ગૂંથણી કરી ના જો એમાં, સુશોભિત બનશે જીવન તો ક્યાંથી
યત્ને યત્ને કરશું ના જો એને તો ચોખ્ખું, દીપી ઊઠશે જીવન તો ક્યાંથી
સદ્વિચારોને સદ્વર્તનના ઊગશે ના જો પુષ્પો, ખીલશે જીવન તો ક્યાંથી
ધીરજને સંયમના પાલવ વિના, ઓપશે રૂપ જીવનના તો ક્યાંથી
આવા તો તાંતણાઓથી તો વણાયું છે જીવન, આવા તાંતણા વિના ટકશે ક્યાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)