રાહ જગદંબાની તું ચૂકતો નહીં, તું ચૂકતો નહીં
લપસણી રાહ આવશે ઘણી, જોઈને ચાલવું ભૂલતો નહીં
ક્રોધ હૈયામાં જાગે ત્યારે, ગમ ખાવી ચૂકતો નહીં
વેર જાગે જો હૈયામાં, માફ કરવું તું ભૂલતો નહીં
વડીલોને માન દેવાનું, જિંદગીમાં તું ચૂકતો નહીં
નાનાનું પણ માન જાળવવું, કદી તું ભૂલતો નહીં
સદ્જ્ઞાન મળે તને ત્યાંથી, લેવું તું ચૂકતો નહીં
હરપળે `મા' ને યાદ કરવી, તું હવે ભૂલતો નહીં
સત્કર્મો કરવાનું આ જિંદગીમાં, તું ચૂકતો નહીં
જિંદગી છે બે દિનની, એ કદી તું ભૂલતો નહીં
દુઃખના દિવસોમાં હિંમત રાખવી, તું ચૂકતો નહીં
સુખનો સૂર્ય ઊગશે એક દિવસ, એ તું ભૂલતો નહીં
પરસ્ત્રીને માત ગણવી, તું કદીયે ચૂકતો નહીં
પરનિંદાથી દૂર રહેવું, કદી તું ભૂલતો નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)