હૈયે રહેશે વહેતા જગની ભાવનાના પૂર, મુક્તિમાં નાંખી બાધા રહેશે ઊભી એ જરૂર
વેર શું કે ઇર્ષ્યા શું, રાખે હૈયાંને એમાંને એમાં જો ચકચૂર
ક્રોધના પૂર રહેશે વહેતાને વહેતા જીવનમાં, હૈયાંમાં જો ભરપૂર
ઊઠયા હૈયે તો જ્યાં શંકાના સૂર, નાંખતી ને નાંખતી રહેશે બાધા એ જરૂર
પૂરને પડશે રહેવું જોતા જીવનમાં, બનીને અલિપ્ત એનાથી તો જરૂર
વેદનાને વેદનાના પૂર જોડાયા જ્યાં એમાં, રાખશે મુક્તિને એ તો દૂર
અંહને અભિમાનમાં ચડયા હૈયે જ્યાં પૂર, ડુબાડશે જીવનમાં એ જરૂર
ચડયા હૈયે જ્યાં આળસના પૂર, કરશે જીવનને ધૂળધાણી એ તો જરૂર
ચડયા જ્યાં હૈયે ને આંખે કામ વાસનાના પૂર, ડુબાડશે જીવનને એ તો જરૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)