સંજોગો શીખવે જગતમાં તો સહુને, શીખે ના જે એમાંથી,
જીવનમાં એ પાછા પડતાં જાય
અહંમાં સત્ય સામે જીવનમાં જે આંખ મીચે,
જીવનમાં અંધારે એ તો અટવાય
રહે ફરતું મનડું, રાખે ના કાબૂમાં એને,
દોડવા એમાં જે જાય, સ્થિર એ કેમ કરીને થાય
કરતા રહે અપમાન જગમાં સહુના,
ખુદનું અપમાન થાતાં જ્યાં ઘા હૈયે, વસમો બની જાય
મેળવવામાં ને મેળવતા રહે આનંદમાં,
ગુમાવતા જીવનમાં, વિચલિત એ તો બની જાય
સુખસાગરની રહે સદા અપેક્ષા જીવનમાં,
દુઃખ કેમ કરીને જીરવી શકાય
મનથી રહે જીવનમાં સદા માંદલો ને માંદલો,
જીવનની તાજગી કેમ કરીને અનુભવાય
ચાલે ધરતી પર, રાખે નજર આકાશ પર,
કેમ કરીને ખાડા ટેકરા એને દેખાય
ઇર્ષ્યામાં રહે સદા જે જલતોને જલતો,
અન્યનો ઉત્કર્ષ એનાથી કેમ કરીને ખમાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)