છૂપું છૂપું રહેતો ના તું પ્રભુને, કહેવું હોય તો કહેજે એવી રીતે,
હૈયે પ્રભુને એ પહોંચી જાય
માગતો ના દયા તું પ્રભુ પાસે, માગવું હોય તો માગજે એવી રીતે,
હૈયું પ્રભુનું તો ડૂબી જાય
મેળવવી હોય તો મેળવજે, નજર પ્રભુ સાથે એવી રીતે, એકબીજા, એકબીજાની નજરમાં સમાઈ જાય
કરવા હોય પ્યાર પ્રભુને, કરજે તું એવી રીતે, હૈયે એની યાદ વિના,
બીજું કાંઈ યાદ ના રહી જાશે
લેવું હોય તો લેજે, નામ પ્રભુનું તું એવી રીતે,
શ્વાસે શ્વાસે નામ પ્રભુનું તો લેવાતું જાય
ભાવ ભરવા હોય તો, હૈયે પ્રભુના ભાવ એવા ભરજે,
હૈયું પ્રભુનું એમાં તો ભીંજાઈ જાય
કરવી હોય ભક્તિ જો પ્રભુની, કરજે ભક્તિ તું એવી,
હૈયું પ્રભુનું એમાં તો ડોલી જાય
જોઈતું હોય કાંઈ તારે પ્રભુ પાસે, કરી દેજે મજબૂર પ્રભુને,
દેતા દેતા પ્રભુ ના ધરાઈ જાય
કહેવી હોય વાત તારે જો પ્રભુને કહેજે,
તું એવી રીતે સાંભળતા સાંભળતા ના એ થાકી જાય
બનજે યોગ્ય જીવનમાં તું એવો ને એટલો,
એવી રીતે તારી મુક્તિના દ્વાર ખુદ પ્રભુ ખોલી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)