આજના માનવી કરી છે શોધો જીવનમાં તેં તો ઘણી ઘણી
દૂરના અવાજને, યંત્રો સરજી, અહીં બેઠા રહ્યો છે એને તું સાંભળી
દૂરના થાતાં બનાવો, યંત્રો સરજી, નજર સામે રહ્યો છે એને નિહાળી
કરી શોધો તેં તો એવી, હવામાં હવાથી વજનદારને રહ્યો છે ચલાવી
પાણીથી કંઈક ગણા ભારીને, કંઈક ગણો ભાર ભરી રહ્યો છે એને તરાવી
મનમાં કંઈક ઇચ્છાઓ તને જાગી, સરજી યંત્રો, કરી જીવનમાં એને પૂરી
કર એક વાર નજર સૂરજ પર, યુગોથી રહ્યું છે હૈયું એનું જલી દે એને ઠારી
યુગોથી ગયું છે હૈયું એવું ઠરી, દે ઉષ્મા એવી ભરી, જાય હૈયું એનું પીગળી
શોધ કર હવે જગમાં તું એવી સાકરની, સાગરમાં ખારા જળો દે મીઠાં બનાવી
ચમકાવ્યા કોલસાઓને, ઘસી ઘસી પાસા એના, દીધા હીરા એને બનાવી
ઊતર્યો પૃથ્વીના પટના ઉંડાણમાં, હવે જા માનવના મનમાં ઊંડો ઊતરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)