પૂછશો ના પ્રભુ, મને તમે, જીવનમાં મને, શું ગમે કે શું ના ગમે
હર વાત ને હર પળમાં, તારી હાજરી ગમે, તારા વિનાનું સ્વર્ગ પણ ના ગમે
કામિયાબીની કંટકભરી રાહ પણ ગમે, નાકામિયાબીની ફૂલવારી ના ગમે
પ્યારભર્યા કર્કશ શબ્દ પણ ગમે, છુપા ઝૅર ભરેલા મીઠા શબ્દો ના ગમે
પ્રેમાળ પ્રેમથી ભરેલું મુખડું તારું ગમે, ક્રોધિત રૂપ તારું, ખયાલમાં પણ ના ગમે
જીવનમાં નીત્ય તારો સહવાસ ગમે, તારા વિનાનો સુખભર્યો કારાવાસ ના ગમે
મારા વિચારોમાં પ્રભુ તું ને તું રહે એ ગમે, તારા વિનાના વિચારો ના ગમે
સત્યનો સાથ ને સથવારો તો ગમે, અસત્યથી મેળવેલ જિત ના ગમે
મારા ભાગ્યની ચાવી પ્રભુ તને સોંપવી ગમે, ચાવી ભાગ્યની કોઈને સોંપવી ના ગમે
સરળતા ભરી સાહસની જિંદગી ગમે, કરે પ્રભુ તું કસોટી આકરી એ ના ગમે
તારા વિચારોને ધ્યાનમાં ગુમાવ્યું ભાન ગમે, માયામાં ને માયામાં રહેવું ડૂબ્યા ના ગમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)