લઈ લઈ જગનો ભાર શીર પર, હવે તો સહન થાતો નથી
ગોતું છું, કોઈ ઉતારે ભાર મારો, કોઈ એ લેવાને તો તૈયાર નથી
કરતાને કરતા કર્યો ભેગો એને, બોજ બન્યા વિના હવે એ રહ્યો નથી
દબાઈ જવાના એ બોજા નીચે, ઉતારનારો એનો કોઈ મળતો નથી
ચડયો છે થાક હવે એનો, થાક્યા વિના ઇલાજ એનો મળતો નથી
ચીટક્યો છે શીર પર એ તો એવો, શીર પરથી તો એ ખસતો નથી
રાજી છું કે રાજી નથી, એ બોજાને તો એની તો કાંઈ પરવાહ નથી
સૂડી વચ્ચે સોપારી જેવી છે હાલત મારી, ફેંકાતો નથી, સહન થાતો નથી
છે હકીકત એ તો આપણા જીવનની, હકીકત એ કાંઈ બદલાઈ નથી
ગોતું છું ભાર ઉતારનાર જીવનમાં, ભાર ઉતારનાર મને તો મળતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)