ભલો ના છોડે કરવી ભલાઈ, બૂરો ના ભૂલે કરવી બુરાઈ
આદતના સકંજામાં સપડાયા છે સહુ કોઈ, છૂટે ના એમાંથી જલદી રે ભાઈ
દિલ હશે ચોખ્ખું જો જીવનમાં તારું, પ્રવેશ ના પામશે એમાં બુરાઈ
ચૂકજો જીવનમાં ભલે બીજું બધું, ચૂકજો ના કરવી જીવનમાં તો ભલાઈ
અંજામ બુરાઈનો આવશે તો બૂરો, ભૂલજે ના કરવી જગમાં ભલાઈ
મેળ ખાશે ના ભલા બુરાના, તોયે પડે છે રહેવું જગમાં બંનેએ સંકળાઈ
સહશે લાખ સીતમો ભલે જીવનમાં, ભલો છોડશે ના કરવી ભલાઈ
મળે ફાયદો કે ગેરફાયદો જીવનમા, બુરો ભૂલે ના કરવી તો બુરાઈ
ભલા બુરા કર્મોનો તો, તોલાશે એકવાર તો ન્યાય, ચાલશે ના ત્યાં કોઈ સફાઈ
જીવન તો રહેશે ચાલતું ને ચાલતું જગમાં, રમત કર્મોની તો છે જ્યાં મંડાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)