ઓ મારી ત્રિશૂળધારી `મા', ત્રિશૂળ તારા હાથમાં લેજે
કરવા પાપીઓનો સંહાર, માડી લેતી તું એ સદાય - ઓ ...
સંકલ્પથી સૃષ્ટિ ચલાવતી, સિંહે સવારી કેમ કરે
સંકલ્પથી સર્વે પહોંચતી, માયાથી સર્વેને કેમ બાંધે - ઓ ...
દેવો-ઋષિઓનાં કાર્યો કરતી, માનવને કર્મથી કેમ બાંધે
વિશ્વાસે નામ લેતા જે સદાય, દર્શન દેવા તું દોડી આવે - ઓ ...
સંકટ સમયે તને જે પોકારે, દોડતી સદા તું એની વહારે
ભક્તોના હૈયે વાસ કરીને, હૈયાં એનાં આંસુથી પીગળાવે - ઓ ...
જે-જે રહેતા તારા આધારે, જરૂરિયાત તેની તું પહોંચાડે
કરવા સહાય તૈયાર તું સદાય, ડૂબતી નાવ તું બચાવે - ઓ ...
મેલા મનના માનવી દ્વારે આવે, આંસુથી તને જ્યારે પુકારે
ધોઈ મેલ એને શુદ્ધ બનાવે, હૈયે તું સદા લગાવે - ઓ ...
જડ અને ચેતન, માનવ અને પ્રાણી નાચે તારા ઇશારે
લૂલા ને લંગડા, બહેરા ને મૂંગા, માડી સર્વે તને પુકારે - ઓ ...
યોગીઓ ને રોગીઓ, પાપીઓ ને ભક્તોની અરજ તું સ્વીકારે
આ બાળકની અરજ સ્વીકારી, `મા' ક્યારે તું હૈયે લગાવે - ઓ ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)