લીલા ઝાડવાને તરસ્યા રાખીને જીવનમાં માનવી, સૂકા ઝાડવાને પાણી પાય છે
લીલી ધરતી, રહેશે ક્યાં સુધી તો લીલી, જળ વિના એ સૂકી થઈ જાય છે
માનવી પાપની સૂકી ધરતીને પાણી પાતો જાય છે, પુણ્યની ધરતીને સૂકી રાખતો જાય છે
જીવનના ખેતરમાં, રાખીને પ્રેમને તરસ્યો, વેરને પાણી એ પાતો ને પાતો જાય છે
સુખની ધરતીને રાખી, સૂકીને સૂકી જીવનમાં, દુઃખને એ તો પાણી પાતો ને પાતો જાય છે
સદ્વિચારોને રાખીને તરસ્યા જીવનમાં, કુવિચારોને પાણી એ તો પાતો ને પાતો જાય છે
સદ્ભાવોને રાખીને તરસ્યા જીવનમાં, દુર્ભાવોને એ પાણી પાતો ને પાતો જાય છે
મીઠા સબંધોને રાખીને તરસ્યા જીવનમાં, નવા સૂકા સબંધોને, પાણી પાતો ને પાતો જાય છે
મીઠી પ્રેમભરી દૃષ્ટિને રાખી તરસી જીવનમાં, નવી સૂકી દૃષ્ટિ ઝીલવા તલપાપડ બની જાય છે
પ્રભુ ભક્તિના મૂળને રાખી તરસ્યું જીવનમાં, માયાના સૂકા મૂળને, પાણી એ પાતો જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)