એક જ પ્રશ્નના અનેક મુખે, અનેક જવાબો, જીવનમાં સાંભળવા મળશે
ઉત્તર શોધતું દિલડું તો, એમાં એ તો મૂંઝાઈને મૂંઝાઈ જાશે
એક એક જવાબ તો છે એના પાસ, અનેક પાસા એના જોવા મળશે
એક જ પ્રશ્નના અનેક ઉત્તરો સાંભળી, મનડું આશ્ચર્યમાં તો પડી જાશે
અનેક ઉત્તરોમાંથી એક જ ઉત્તર ગોતવામાં, માનવ તો ગૂંચવાઈ જાશે
અનેક ઉત્તરોમાંથી, કોઈ મનને તો પસંદ પડશે, કોઈ દિલને પસંદ પડશે
મુખે મુખે ઉત્તર મળશે, અનેક પાસા એમાંથી તો જાણવા મળશે
મન અને દિલનો મેળ તો જેમાં હશે, કાર્ય પૂરું એમાં તો જલદી થાશે
ઉત્તરે ઉત્તરે શોધ જવાબની તો ચાલુ રહેશે, મળતાં એ શોધ પૂરી થાશે
એક જ પ્રશ્નમાંથી અનેક પ્રશ્ન ઊભા થાશે, પ્રશ્ન રાહ જવાબની જોતા રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)