બનીને હાથા ભાગ્યના જીવનમાં, ભાગ્ય સામે લડવા નીકળ્યા છીએ
સમજ્યા વિના ભાગ્યને જીવનમાં, ભાગ્યનો દોષ તો કાઢવા બેઠા છીએ
કર્મોએ ઘડયું ભાગ્ય તો જીવનમાં, કર્મોને ના નિયંત્રણમાં રાખ્યા છે
કર્મોની ગલીઓમાં રહ્યાં નીત્ય ફરતા, ના ફરવાનું કદી એમાં રોક્યું છે
કરાવ્યા કર્મો ઇચ્છાઓએ જીવનમાં, ના ઇચ્છાઓને નિયંત્રણમાં તો રાખી છે
ભાવોએ ઘસડયા માયામાં, બંધન માયાના, જીવનમાં મીઠાં લાગ્યા છે
સમજદારીના સ્વાંગ સજીને જીવનમાં, સમજદારીથી દૂરને દૂર રહ્યાં છીએ
સુખમાં કર્મોના કર્તા બન્યા, દુઃખમાં જીવનમાં ભાગ્યને દોષ કાઢવા બેઠા છીએ
બની ગયો છે ક્રમ આ જીવનનો, ફેરફાર કર્યા વિના ફરિયાદ કરવા બેઠા છીએ
ઝૂકવું ગમતું નથી જીવનમાં, માટે તો ભાગ્ય સામે જંગ ખેલવા નીકળ્યા છીએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)