ઘટ ઘટના ઘાટ ઘડયા છે પ્રભુએ, એ ઘટમાં તો રહેવાનું છે
એ ઘટમાં રહીને, ભૂત ભવિષ્ય વર્તમાનના, ત્રિવેણી સંગમમાં નહાવાનું છે
સત, રજસ, તમસથી ઘેરાયેલો છું, એને સમ કરીને એના સંગમમાં નહાવાનું છે
ભક્તિભાવને, પ્રેમની વહે સરિતા જીવનમાં, નીત્ય એના સંગમમાં નહાવાનું છે
પ્રારબ્ધ, પુરુષાર્થ ને કર્તવ્યના, અમોલ ત્રિવેણી સંગમમાં તો નહાવાનું છે
કર્મ જ્ઞાન ને તપની, વહે સરિતા તો જીવનમાં, નીત્ય એના સંગમમાં તો નહાવાનું છે
સ્મરણ ચિંતન ને ધ્યાનની, છે આવશ્યક્તા જીવનમાં, એના સંગમમાં નહાવાનું છે
બાળપણ યૌવન ને ઘડપણ છે અવસ્થા જીવનની, નીત્ય એના સંગમમાં તો નહાવાનું છે
અહિંસા, અસ્તેય ને અક્રોધ સાધી, એના ત્રિવેણીસંગમથી તો નહાવાનું છે
બ્રહ્મચર્યા, બ્રહ્મજ્ઞાન ને, બ્રહ્મતેજના, નિત્ય સંગમમાં રહી, એમાં તો નહાવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)