અંધારે અંધારે ચાલ્યા જીવનમાં ઘણું, ગોતવાને અજવાળું
ટેવાઈ ગયા અંધારાથી તો એટલા, અજવાળામાં અંધારું દેખાયું
વેરને વેરનું રહ્યાં રટણ કરતા, પ્રેમમાં પણ ત્યાં વેર દેખાયું
વસી ગઈ જે ચીજ નજરમાં, નજરમાં નર્તન તો એનું દેખાયું
વિચારોને વિચારોમાં લીન બન્યો, વિચારોનું મૂર્ત સ્વરૂપ દેખાયું
ગોતવા હતા સાથીદારો જીવનમાં, દુશ્મનમાં પણ સાથીપણું દેખાયું
હિંમતવાનોના સંગમાં બેઠો જીવનમાં, હૈયું હિંમતથી એમાં ઊભરાયું
હસવામાંને હસવામાં જીવન વીત્યું, દર્દ જીવનનું બધું ભુલાયું
પ્રેમ વસ્યો જ્યાં હૈયાંમાં, સમસ્ત જગત પ્રેમમય ત્યાં દેખાયું
હૈયું જ્યાં પ્રભુના ચિંતનમાં ડૂબ્યું, જગ સારું ત્યાં પ્રભુમય દેખાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)