રોકવા નથી પ્રવેશ ગૃહમાં તો તારા, દ્વારની ત્યાં શી જરૂર છે
ભરોસો નથી તને તારા હૈયાં ઉપર, પ્રેમમાં પડવાની શી જરૂર છે
રાખજે મનના દ્વાર ખુલ્લા તારા, વિચારોની અવરજવરની જરૂર છે
જાવું છું પ્રેમથી, ભાવથી પ્રભુની પાસ, તર્કની તો ત્યાં શી જરૂર છે
પહોંચવાનું છે જ્યાં ભૂલીને શરીરનું ભાન, શરીરની ત્યાં શી જરૂર છે
જાવું છું હળવાફૂલ થઈ પ્રભુની પાસ, ખોટા ભારની ત્યાં શી જરૂર છે
અનશન સ્વીકાર્યું છે જેણે જીવનમાં, અનાજ એને ધરાવવાની શી જરૂર છે
જરૂર નથી જેને તો કાંઈ જીવનમાં, એને કાંઈ કરવાની શી જરૂર છે
નથી છુપાવવાનું જીવનમાં જેણે કાંઈ, બંધ દ્વાર રાખવાની શી જરૂર છે
ખેડવો છે એકલવાયો પ્રવાસ તો જેણે, જીવનમાં એને સાથીની શી જરૂર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)