મુસીબત તો છે જીવનનું નામ, સુખચેન તો છે જીવનનું ધ્યાન
ચાહે છે જીવન અમૃતપાન, પીતુંને પીતું આવ્યું છે એ વિષપાન
દીધી છે ચરણકમળ ને કરકમળમાં શક્તિ, છે પ્રભુનું તો એ વરદાન
શંકરે જગકારણે તો વિષ પીધું, હતા એ તો પોતે ભગવાન
આવી જગમાં જીવન જીવ્યા, રચ્યા-પચ્યા રહ્યાં જગમાં ભૂલીને ભાન
હૈયાંમાં વળગાડી માયાને એવી, રહ્યાં બનીને એમાં તો ગુલતાન
ચેતવણીને ચેતવણી આપી રહી કુદરત, ધર્યા એની તરફ બહેરા કાન
ઠોકરો ખાઈ ખાઈને ઘણી જીવનમાં, તોયે આવી ના કોઈને શાન
રાખ્યું ના જીવનનું તો ધ્યાન, બની ગયું ત્યાં એ મુસીબતોનું મેદાન
જીવન પર દાવો છે તારો જેટલો, છે પ્રભુનો એટલો, દેજે જીવનમાં પ્રભુને સ્થાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)