છુપાવીને મોં, તું બેઠો છે શાને, કયા ગુનાની દઈ રહ્યો છે, તને તું શિક્ષા
કરી જીવનમાં કંઈકની પ્રતિક્ષા, કરી ના શક્યો શું, જીવનમાં શું તું પ્રભુની પ્રતીક્ષા
લીધી જીવનમાં કંઈકની પરીક્ષા, દઈ ના શક્યો શું તું, જીવનમાં તું તારી પરીક્ષા
કરી જીવનમાં કંઈકની ઉપેક્ષા, સહી ના શક્યો શું તું, જીવનમાં તો તારી ઉપેક્ષા
રાખી જીવનમાં તો, કંઈક તેં અપેક્ષા, ફળી ના જીવનમાં શું તારી અપેક્ષા
છુપાવીને મોં, થાશે શું એમાં તો રક્ષા, છુપાવ્યું છે મોં કરવા શું તારી રક્ષા
કરતો રહ્યો અન્યના જીવનની સમીક્ષા કરી ના શક્યો ખુદના જીવનની સમીક્ષા
છોડજે જીવનમાં તો ભલે ઘણું ઘણું, છોડજે ના જીવનમાં તું તારી કક્ષા
જીવનના નકશા રહ્યાં તો બદલાતા, રોકી ના શક્યો શું તું એ બદલાતા નકશા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)