માયાની મટકી લઈને માથે, આવ્યા છે તો સહુ જગને દ્વાર
છે સફર તો લાંબી, જાશે એમાં થાકી, ઊંચકીને એનો તો ભાર
બનશે મુશ્કેલ સાચવવી સમતુલા, ઊંચકીને તો માયાનો ભાર
ના એ મૂર્તિમંત છે છતાં સર્વવ્યાપક છે, પડશે કરવો તો સ્વીકાર
ડગલેડગલાં ભરીએ માયામાં, કરીએ એના અંગેઅંગનો તો અંગીકાર
વિવિધ રૂપે બાંધતી રહી એ સહુને, બની જગને એ નર્તન કરાવનાર
વસી જ્યાં આંખમાં, જાય ઊતરી હૈયામાં, છે એ અનેક શક્તિનો ભંડાર
બંધાયા તો જે એના પાશમાં, છૂટી ના શકે એ જલદી એમાંથી લગાર
મોહમાયા, મમતા, પ્રેમ, છે તો રૂપો એનાં, કરે ઉમેરો એમાં વૃત્તિઓનો ભંડાર
ચાલ્યું ના ઋષિમુનિઓનું એમાં, બની જાય માનવી એમાં લાચાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)