કરું કેમને કેવી રીતે રે પ્રભુ, તારી આરાધના, તારી આરાધના
શક્તિહીન હું, શક્તિશાળી છે તું, કરવા કેવી રીતે મેળાપ તારા
છોડી તને આવ્યો જગના દ્વારે, સમજાઈ જીવનની નિરર્થકતા
તારા પ્રેમના સિંચન વિના, ખીલે ના પુષ્પો તો મારા જીવનના
સુખના સરોવરની શોધમાંને શોધમાં, ચડતોને ચડતો રહ્યો ડુંગર દુઃખના
બંધાતોને બંધાતો રહ્યો અહં ને અભિમાનના પાશમાં, છૂટયા ના તાંતણા એના
ક્રોધ ને વેરના તો ઝૂમખાં વળગી રહ્યાં, જીવનમાં તો હર શ્વાસેશ્વાસમાં
હટયા ના પડળ હૈયાં ને નજર ઉપરથી, હટયા ના જીવનમા અંધકાર અજ્ઞાનતા
પળે પળે તો રહ્યાં તૂટતા તાંતણા આરાધનાના, કેમ કરી તો એને સાંધવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)