છૂટે કે તૂટે જ્યાં રવિના પણ સાથ, ત્યાં પણ પહોંચે મારી માડીના હાથ
હૈયાના ઊંડાણમાં કે સૃષ્ટિના પોલાણમાં, હોય સદા ત્યાં પણ માડીનો વાસ
પ્રેમના પૂરમાં કે જીવનના રઘવાટમાં, હોય ત્યાં પણ મારી માડીનો હાથ
હોય દર્દ જીવનનું કે જીવનના પ્રેમનું, ગાન મળે એમાં પણ `મા'ની શક્તિનું પાન
હોય ભલે વાત સંસારની કે બહ્માંડના ઉત્પાત, હોય એમાં `મા'ની અનોખી ભાત
નથી સંસારનું કોઈ કામ ખાલી એના વિના, હોય ભલે એમાં હૈયાનો ઉત્પાત
હોય નાનું ધબકતું હૈયું કે હોય તારાનો ચમકાર, હોય એમાં પણ મારી માડીનો હાથ
હોય ભલે દિવસનો પ્રકાશ કે કાજળઘેરી રાત, હોય એમાં પણ મારી માડીનો હાથ
સમુદ્રના ઊંડે તળિયે કે ઉપર અફાટ આકાશ, પહોંચે ત્યાં પણ મારી માડીનો હાથ
પાપીના પાપમાં કે પુણ્યશાળીના પુણ્યમાં, રાખ્યો નથી એને એમાંથી બાકાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)