અરે ઓ રંગરસિયા રે રંગરસિયા રે, વ્હેલા વ્હેલા આવજો રમવાને રાસ
વાગ્યા છે ઢોલ, ધ્રબાક ધૂમ ધ્રબાક ધૂમ, રંગ જામશે તો રમવાને રાસ
અરે ઓ રંગરસિયા, મારા મનમાં વસિયા, સંગે સંગે રમશું તો આજ રાસ
દાંડિયાના તાલે, ઝાંઝરના ઝમકારે, મેળવી તો તાલેતાલ, રમશું તો રાસ
ખીલ્યો છે આકાશે પૂનમનો ચાંદ, ઊગી છે રઢિયાળી રાત, મનભર રમશું આપણે રાસ
પ્રેમભર્યાં નયનોના વળાંક, અંગેઅંગમાં ભર્યો થનગનાટ, જામશે એમાં તો રાસ
સૂના સૂના તો છે રાસરસિયા તમારા વિના, આવી રંગ જમાવી દેજો રાસ
ભરી દેજો સહુનાં હૈયાં તો રંગે રમાડજો, સહુને એવા તો રંગભર્યાં રાસ
ભૂલીને સહુ ભાન તો હૈયાના, રમશે ને રમાડશે સહુને તમે એવા રાસ
બની જાય યાદગાર તો એ રાત, રસિયા રમાડજો સહુને એવા રાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)