પ્રગટાવી જ્યોત પ્યારની તો હૈયે, ના બુઝાવા એને દેજે
પ્રગટશે એક જ્યોતમાંથી અનેક દીપકો, ના આ તો ભૂલી જાજે
ઈંધણ પૂરીને એમાં પ્યારનું, એને જલતી ને જલતી તો રાખજે
ઊઠે વાયરા તોફાની કે તોફાનો, રક્ષણ એનું તો એમાં કરજે
લૌકિકમાંથી તો, અલૌકિક જ્યોત એમાંથી તો તું પ્રગટાવજે
વાટે ને ઘાટે મળે ના પરબ પ્યારની, હૈયાને પ્યારનું ધામ બનાવજે
દીપક છે તારો, હૈયું છે તારું, બંનેને જીવનમાં એક બનાવી દેજે
કાપવો છે મારગ તો જીવનમાં, સતેજ દીપક તો તું રાખજે
તારા દીપકની તો છે જવાબદારી તારી, સારી રીતે અદા એને કરજે
એ દીપકના તેજથી, જગમાં તારા જીવનને, ઝગમગાવી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)