જ્યાં જ્યાં પ્રભુ કર્યાં તારાં આહ્વાન, વહાવી તારી તો ત્યાંથી શક્તિની ધારા
જગાવી ભાવથી તો શક્તિ તારી, પથ્થરમાં પણ ત્યારે તેં તો પ્રાણ પૂર્યા
કરી સહન ઘા કિસ્મતના, દિલ પથ્થરના એમાં બન્યા, તારા ભાવે પ્રાણ એમાં પૂર્યા
મંદિરે મંદિરે પૂજાણી મૂર્તિ તારી, ભાવે ભાવે તેં તો રૂપો જુદાં જુદાં ધર્યાં
ના મેળવી શકયા તાલ સમય સાથે, જીવનમાં તો સંજોગો જ્યાં વીફર્યા
કરી કરી કર્મો, ઘડાયું કિસ્મત અમારું, જીવનમાં અમે એના હાથમાં રમ્યા
સુખદુઃખમાં રાખી ભરી શક્તિ તમે તમારી, જગને શક્તિવિહોણા ના રાખ્યા
શ્વાસે શ્વાસે રાખી છે ભરી શક્તિ તમારી, શ્વાસને શક્તિવિહોણા ના રાખ્યા
વિચારો ને ભાવોએ ભેગા ભળી, સર્જી આકાર એવા, શક્તિનાં સ્થાન સર્જ્યાં
ભાવ વિનાનાં આહ્વાન લુખ્ખાં, તારા આહ્વાનમાં અમે ભાવ ભર્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)