દુઃખવિહોણા દિલમાં દુઃખે ધામા નાખી દીધા, પ્રેમતરસ્યા જીવે પ્રેમના મરશિયા ગાવા પડયા
તકદીરના માર્યા ધામેધામ એ તો ફર્યા, તકદીરના હાથ તો ત્યાં પણ પહોંચી ગયા
સ્વાર્થવિહોણા દિલ તો ના કરી શક્યા, પ્રાર્થનામાં સ્વાર્થને તો ભેળવતા તો રહ્યા
મંઝિલ કાજે દેવી હતી તો કુરબાની ખુદની, કુરબાની કાજે બળિના બકરા ગોતતા રહ્યા
ખાઈ માર જીવનના, સૂઈ ગયો ભાવ હૈયામાં, ઉડાડી શકે નીંદ એની, ભાવ એવાના મળ્યા
શબ્દોની રમત જીવનમાં ખૂબ રમ્યા ને શીખ્યા, પ્રભુ પાસે રમત એની તો રમી રહ્યા
પડયા ઘા ઘણા જીવનમાં તો દિલમાં, એનાં વહેતાં રક્ત એમાં ને એમાં વહી રહ્યા
મનની સ્થિતિ તો અમે ના વર્ણવી શક્યા, મનના મૂંઝારા તો જ્યાં ના હટાવી શક્યા
મન હતું ડામાડોળ તો જગમાં, સ્થિતિ દિલની ડામાડોળ એમાં તો કરી બેઠા
પ્રભુ છે એક જ ઉપાય તો એનો જીવનમાં, પ્રભુ સામે સ્વસ્થ ચિત્તે ના બેસી શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)