મનવા રે મનવા રે, એક વાર તો તું, મારું કહ્યું તો માન
રહ્યું સદા તું ફરતું ને ફરતું, બેસને હવે થઈને તો ઠરીઠામ
થાકીશ તો તું, રહે છે ફોગટ ફરતું ને ફરતું તો શું કામ
ઇચ્છાઓ સંગ સંગત કરી, રહ્યું છે બ્હેકાવતું, હૈયાને શું કામ
માયા સંગ કરી સંગત, બનાવી ભાવનાઓને બેકાબૂ શું કામ
કરી ના સંગત પ્રેમની, બની ના શક્યું એમાં ઠરીઠામ
દામ વિનાની છે મુસાફરી તારી, પડતા નથી ફરવાના કોઈ દામ
ભૂલી ભૂલી સ્પર્શો ગુણોના, સ્પર્શ્યા અવગુણો છે જ્યાં તું નિષ્કામ
ફરી ફરી ખંખેરતું રહ્યું બધું, ભળ્યું એમાં થાવું તો ઠરીઠામ
ફર્યું જગને ખૂણે ખૂણે, કરી ના સંગત ભક્તિની, પહોંચ્યું ના પ્રભુને ધામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)