આ જગમાં ક્યાંક તો સુખચેન તો વસતું હશે
મળી જાય જો સાચું સરનામું એને, દુઃખદર્દ તો દૂર રહેશે
સુખદુઃખની સૂડી વચ્ચે જગમાં કેમ કરી જીવન તો વીતશે
પાપ-પુણ્ય કોરી ખાય છે હૈયાને, સમતુલા કેમ એમાં જળવાશે
વૃત્તિઓ કરી રહી તાગડધિન્ના મનમાં, કેમ એમાંથી તો બચાશે
કહેવાય છે સુખચેનનું ધામ છે હૈયું, કેમ સ્થિર એને બનાવશે
હૈયામાં વસે છે તું માડી, ભરી છે ત્યાં ઉપાધિ, કેમ તારાથી રહેવાશે
યત્નોથી પણ થઈ ના દૂર ઉપાધિ, કેમ તને એમાં ફાવશે
ઉપાધિઓ દૂર કર્યાં વિના જગમાં, સુખચેન તો ક્યાંથી મળશે
બનાવીશ હૈયાને ધામ તારું માડી, સુખચેન ત્યાં દોડી આવશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)