ગાડી ધીમી-ધીમી જાય, ભલે ગાડી ધીમી-ધીમી જાય
મુસાફરી છે લાંબી, જોજો ખોટે રસ્તે ચડી ન જાય - ગાડી ...
રસ્તો છે અજાણ્યો, પૂછતાં-પૂછતાં પહોંચી જવાય - ગાડી ...
ધીરજ ને સંયમની મૂડી લેજો સાથે, જોજો ખૂટી ન જાય - ગાડી ...
રાહબર નથી કોઈ સાથે, જોજો પૂછતા ના અચકાવાય - ગાડી ...
રસ્તે આવશે સોહામણાં સ્થાનો, જોજો મનડું ન લલચાય - ગાડી ...
ખેડી છે વાટ આગળ ઘણાએ, જોજો એને ચીલે ચાલી જાય - ગાડી ...
તડકો-છાંયડો સહન કરવા પડશે, જોજો પરસેવો ન છૂટી જાય - ગાડી ...
`મા' નામનું રટણ કરજો હરદમ, એકલું નહીં વરતાય - ગાડી ...
કોલાહલ નહીં હોય ત્યાં તો, જોજો શાંતિ ખાવા ન ધાય - ગાડી ...
ચાલતી રહેશે જો ગાડી, અંતે એ તો સ્થાને પહોંચી જાય - ગાડી ...
બદલાબદલીની જરૂર ન રહે, જો સાચી ગાડી પકડાય - ગાડી ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)