દેતા ને દેતા આવ્યા પ્રભુ ઘણું ઘણું, બદલામાં કાંઈ ના માગ્યું
લેતા ને લેતા રહ્યા જીવનમાં અમે, બદલામાં દીધું ફરિયાદોનું નજરાણું
પાતા ને પાતા રહ્યા પ્રેમના પ્યાલા, ફરિયાદોનું વિષ તો અમે પાયું
બાંધ્યા અમને પ્રેમના તાંતણે, છૂટી ના લાલસા મોહમાં પડયું બંધાવું
મળતું રહ્યું જીવનમાં ઘણું, માગવાનું ના એમાં તોય અટક્યું
ધાંધલધમાલમાં અટવાયા જીવનમાં, નામ પ્રભુનું એમાં વીસરાયું
દુઃખદર્દમાં વારિ ઊછળ્યા જીવનમાં, નામ તમારું હૈયે ત્યાં આવ્યું
દેતા દેતા ના થાક્યા તમે તો પ્રભુ, માગતા સંતાન તમારા નથી થાક્યું
નથી કંટાળ્યા દેતા તમે તો પ્રભુ, સંતાન તમારા લેતા નથી કંટાળ્યું
આવશે ક્યારે બદલી આમાં જીવનમાં, નથી કાંઈ એ તો સમજાતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)