યુગોથી પલટાયા સૂર, સત્યુગથી કળિયુગ છે દૂર
માનવ હૈયાં પાપથી ભરપૂર, પ્રભુ અવનિ પર આવશે જરૂર
ગીતામાં તેં વચન દીધું, તે મુજબ તારે કરવું રહ્યું
માનવ હૈયું હિંસામાં ચૂર, હવે તેમાંથી બચાવજે તું
હૈયે સળગે વિશ્વાસની હોળી, માનવ ફેલાવે તારી પાસે ઝોળી
કર્મ, અકર્મની સમજણ તૂટી, આવી હવે સ્થાપજે તું
સાધનો આપ્યાં તેં ભરપૂર, માનવ બન્યો મદમાં ચકચૂર
પુણ્યથી એ તો ભાગે દૂર, પ્રભુ અવનિ પર આવશે જરૂર
માનવ હૈયું ધડકી રહ્યું, મૂંગી પુકાર તને કરતું રહ્યું
તારા આગમન માટે તડપી રહ્યું, વાટ તેની જોતું રહ્યું
જગમાં ઊલટો પ્રવાહ છે ભરપૂર, તણાઈને થાક્યા છે સહુ
બચાવજે, અરજી રાખી મંજૂર, પ્રભુ અવનિ પર આવશે જરૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)