અંતરમાં અંતરનું અજવાળું ના મળ્યું, ક્યાં સુધી આમ અંધારામાં ફરવું
ઊતરી ઊંડે અંતરમાં અંતરનું નિરીક્ષણ કર્યું, કયા અવરોધે રોક્યું અજવાળું
લઈ અહંનો દીપક ઊતર્યો અંતરમાં, એની જોશે અંધારું તો ઘેરું બન્યું
લઈ ઊતર્યો માયાનો દીપક અંતરમાં, એના નર્તન વિના બીજું જોવા ના મળ્યું
ઊતર્યો લઈ દીપક લોભનો અંતરમાં, રૂપો એમાં એનાં બદલાતાં દેખું
ઊતર્યો લઈ લાલચનો દીપક અંતરમાં, અસંખ્ય રૂપો ઊભરાતાં એમાં નીરખું
લઈ દીપક ઈર્ષ્યાનો ઊતર્યો અંતરમાં, ચારે તરફ જ્વાળાઓથી ઘેરાયેલો જોવું
લઈ ક્રોધનો દીપક ઊતર્યો અંતરમાં, ચારે બાજુ ગરમી એની અનુભવું
ઊતર્યો લઈ દીપક વેરનો અંતરમાં, ચારે બાજુ ભૂતાવળો ઘેરાયેલો દેખું
ઊતર્યો લઈ દીપક પ્રેમનો અંતરમાં, ચારે બાજુ આનંદનું અજવાળું પથરાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)