જોતજોતામાં વર્ષ વીતી ગયું, જીવનમાં જીવનને શું શું દઈ ગયું
કંઈક આશાઓ પૂરી કરી ગયું, કંઈક નવી આશાઓ બંધાવી ગયું
કંઈક ચિંતાઓના ઉજાગરા દઈ ગયું, કંઈક આશાઓ ભોગવાવી ગયું
જીવનમાં કંઈક એ કરાવી ગયું, કંઈક કરવાનું બાકી રખાવી ગયું
કંઈક વાર દુઃખના સમુદ્રમાં ધકેલી ગયું, થોડી સુખની લહેરી દઈ ગયું
કાળ રમત એમાં એની રમી ગયું, નવા વર્ષની ઇચ્છા જગાવી ગયું
કંઈક યાદો એ જન્માવી ગયું, કંઈક યાદો તો એ ભુલાવી ગયું
કંઈક પ્યાલા પ્રેમના પીવરાવ્યા એણે, કંઈક વાર કટોરા ઝેરના ધરી ગયું
આ સરવૈયામાં એ ના સમજાવ્યું, એક વર્ષ જીવનનું તો આમ વીતી ગયું
ઘટમાળો ઘટમાળામાં વર્ષ વીતી ગયું, હરેક વર્ષનું પુનરાવર્તન એમાં થયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)