તું પાસે છે કે છે દૂર માડી, મારે એ તો જાણવું નથી
સાદ પાડતાં આવે છે તું દોડી દોડી, એ મારે જીવનમાં વીસરવું નથી
કર્મોની ખીચડી પકવી પકવી, આશા પકવાનની તો રાખવી નથી
કર્મને દૂર કરવાની છે સત્તા પાસે તારી, જીવનમાં એ વીસરવું નથી
યુગે યુગે બધું બદલાયું, બદલાઈ જાણકારી, માડી તું બદલાઈ નથી
લઈ આવ્યા ભાવો જેવા, આપશે તું એવું, જીવનમાં આ વીસરવું નથી
પ્રકાશપુંજ છે તું તો માડી, અંધારામાં મારે હવે તો રહેવું નથી
કરી દીપક તારો તો અંતરમાં, પાથરવું છે અંતરમાં, આ મારે વીસરવું નથી
સમજાય છે, છે જે જે છે એ પ્રકાશ તારો, તને સમજ્યા વિના રહેવું નથી
સમજની અંદર ને બહાર પણ છે તું માડી, જીવનમાં આ વીસરવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)