નાખતાં ને નાખતાં એક તીરછી નજર, નજર એની ઉપર નખાઈ ગઈ
પડયો હતો પ્રેમનો ભારેલો અગ્નિ દિલમાં, આગ એમાં તો ચંપાઈ ગઈ
હતી આશાભરી નિષ્ફળતાની એ કહાની, એમાં એ તો દોહરાવાઈ ગઈ
પ્રેમની પાંખ પહોંચાડી ના શકી પ્રેમને મંઝિલે, યાદ એની એ અપાવી ગઈ
હતો દિવસ ગઈ હતી જ્યારે જીવન બની, આજ યાદ તો એની દઝાડી ગઈ
શ્વાસેશ્વાસની, રગેરગની બની હતી ગરમી, આજ રક્ત પણ એ થિજાવી ગઈ
યાદેયાદ બનાવી જતી હતી સુખી, આજ નજર એની દુઃખી બનાવી ગઈ
ભૂલી ગયો જ્યાં વર્તમાન તો એમાં, યાદ ભુલાવવામાં એની મને ઘસડી ગઈ
થઈ સજીવન જ્યાં યાદો તો એની, દૃષ્ટિમાં દૃશ્યોની પરંપરા સરજી ગઈ
દુઃખદર્દનો દિલાસો એક વાર એ હતી, આજે દુઃખનું કારણ એ બની ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)